સોયાબીન ખેતી પદ્ધતિ

ખેડૂતભાઈઓ,
ખેતી પાકોમાં સોયાબીન ખૂબ જ સરસ પાક છે. ચીનમાં સૌથી પહેલાં ખેતી કરવામાં આવતી ત્યાર પછી યુરોપ, અમેરીકામાં થવા લાગી, આપણે ત્યાં મઘ્યપ્રદેશમાં વાવેતર વધુ થાય છે. હવે ગુજરાતમાં પણ વાવેતર શરૂ થયા છે. જસદણના રૂડાભાઈ નાગજીભાઈ પટેલ દ્વારા સોયાબીનની ખેતી માટે સૌરાષ્ટ્રમાં સારા પ્રયાસો થયા છે. તેમણે સોયાબીનના પાકમાં ખૂબ જ રસ દાખવેલ અને પોતે જાતે સોયાબીનની ખેતી કરી લોકોને સોયાબીનનું પોષણ મુલ્ય સમજાવ્યું હતું. સોયાબીનમાં પ્રોટીન ભરપુર છે તદ્ઉપરાંત ૧૮ થી ૨૦% તેલ રહેલું છે.
સોયાબીનના પાકથી લગભગ બધા જ ખેડૂતો પરીચિત હશે પરંતુ માર્કેટની વ્યવસ્થા (વેચાણ વ્યવસ્થા)ના અભાવે આ ખેતી તરફ લક્ષ આપતા નથી. હવે માર્કેટ ખૂલી રહ્યું છે ત્યારે ગયા વર્ષે જુનાગઢ અને રાજકોટના ખેડૂતોએ સારું વાવેતર કર્યું હતું. તો આવો આપણે સોયાબીનની ખેતી વિશે જાણકારી મેળવી વૈજ્ઞાનિક ઢબે સોયાબીન વાવી જમીનમાં નાઈટ્રોજનનો ઉમેરો કરીએ.

જમીન ઃ
મઘ્યમ કાળી કે ભારે કાળી જમીનમાં આ પાક સારો થાયછે.
કાંપાળ, ગોરાડું કે રેતાળ સારા નીતારવાળી જમીન પણ પાકને માફક આવે છે.
પાણી ભરાઈ રહે તેવી રેચક અને ક્ષારવાળી જમીન હોય ત્યાં આ પાક થતો નથી.
૬.૦ થી ૭.૫ પીએચ. ધરાવતી જમીન માફક આવે છે.

આબોહવા ઃ
આ પાકને ગરમ અને ભેજવાળું હવામાન માફક આવે છે. ૨૬ થી ૩૨ સે. તાપમાન તેને માફક આવે છે. જમીનનું તાપમાન ૧૬ સે. થી વધુ હોય તો છોડનો વિકાસ સારો થાય છે ઓછા તાપમાનને લીધે ફુલો મોડા આવે છે. જે વિસ્તારમાં લાંબો દિવસ ન હોય ત્યાં સોયાબીન સારા થાય છે કારણ કે તે સોર્ટ ડે લેન્થ પાક છે.
જમીન તૈયારી ઃ
હળથી યા ટ્રેકટરથી બે ઉંડી ખેડ કરી જમીનને પોચી અને ભરભરી બનાવવી. આગલા પાકના જડીયા મૂડીયા વીણી લેવા અને જમીન સપાટ બનાવવી. જમીનમાં ઊધઈનો ઉપદ્રવ હોય તો લીન્ડેન ૧.૩% ભૂકી વિઘામાં ૬ કિ.ગ્રામ. પ્રમાણે જમીનને તૈયાર કરતી વખતે જમીનમાં ભેળવી આપો.
સુધારેલી જાત અને બીજનું પ્રમાણ ઃ
સોયાબીનની વાવણી માટે વિઘામાં ૧૭ થી ૧૮ કિ.ગ્રા. બિયારણ જોઈએ.

ખાસીયતોજે.એસ.૩૩૫પુસા-૧૬
છોડની ઉંચાઈ૩૦ થી ૩૫ સે.મી.૪૫ થી ૫૦ સે.મી.
ફુલ આવવાના દિવસો૩૫ થી ૩૭ દિવસ૩૭ થી ૪૦ દિવસ
પાકવાના દિવસો૯૮ થી ૧૦૨ દિવસ૧૦૦ થી ૧૦૫ દિવસ

વાવણી સમય અને અંતરઃ
ચોમાસામાં વાવણી લાયક વરસાદ થયે જમીનમાં પુરતો ભેજ હોય ત્યારે વરાપે ૩ થી ૫ સે.મી. (૧.૫ ઈંચ)થી વધારે ઉંડું બીજ ન પડે તેમ વાવણી કરો. વધુ ઉંડી વાવણી કરવાથી બીજ સહેલાઈથી ઉગી શકતા નથી. વાવણી માટે બે લાઈન વચ્ચે ૪૫ સે.મી. (દોઢ ફૂટ) રાખી લાગઠ વાવેતર કરવું, વીઘા દીઠ છોડની સંખ્યા વધુમાં વધુ રાખવાથી ફાયદો થાય છે. નજીક નજીક છોડનું વાવેતર કરો.
બીજ ને રાઈઝોબીયમ કલ્ચરની માવજત ઃ
બીયારણને વિટાવેકસ ૩ ગ્રામ/કિ.ગ્રા. બિયારણને પટ આપવો અથવા બાવીસ્ટીન થાયરમ ૧ ગ્રામ ઃ ૨ ગ્રામ/કિગ્રા બીયારણને પટ આપવો ત્યારબાદ રાઈઝીબીયમ અને પી.એસ.એમ. ૫ ૫ ગ્રામ/કિગ્રા બીયારણને પટ આપવાથી પાક ઉત્પાદન સારું મળે છે. જે વાવણી સમયે જ કરવું.

ખાતર ઃ
સોયાબીનને છાણીયા ખાતરની ખાસ જરૂર છે. વીધે ૨ ટન છાણીયંુ ખાતર પાયામાં આપો.સોયાબીન એકરે ૮ કિગ્રા નાઈટ્રોજન, ૨૪ કિગ્રા ફોસ્ફરસ, ૮ કિગ્રા પોટાશ અને ૮ કિગ્રા. સલ્ફર જરૂરીછ ે જે માટે વિઘામાં ૪ ૪ ૪ કિગ્રા યુરીયા (૩ હપ્તે ૧ હપ્તો વાવણીમાં બાકીના બે હપ્તા પછીથી આપવા.) અને ૧૨૦ કિગ્રા સિંગલ સુપર ફોસ્ફેટ અથવા ૩૦ કિગ્રા ડી.એ.પી. નાખવંુ તદ્ઉપરાંત ૮ કિગ્રા મ્યુરેટ ઓફ પોટાશ આપવું. આ ખાતર વાવણી સમયે બીજની સાથે મિશ્ર નહી પરંતુ જમીનમા ૭ થી ૮ સે.મી. ઉંડું ઓરીને આપવું.
આંતરખેડ અને નિંદામણ ઃ
જરૂરીયાત મુજબ બે આંતરખેડ કરવી અને પાકને નિંંદામણ મુકત રાખવા હાથથી નિંદામણ કરવું. નિંદામણનાશક દવાનો છંટકાવ કરવાથી ઉપયોગી કિટક મરી જશે અને પરપરાગનયનની ક્રિયામાં અવરોધ થશે જેની ઉત્પાદન પર ખરાબ અસર થાય છે. ફુલ આવ્યા પછી આંતરખેડ કરવી નહીં.

પિયત ઃ
પાકની વૃઘ્ધિ દરમિયાન પાણીની ખેંચ જણાય તો ઓગષ્ટ- સપ્ટેમ્બરમાં ફુલ બેસવાના-દાણા ભરતી વખતે ખાસ પિયત આપવાથી ઉત્પાદન વધારે મેળવી શકાય છે.

આંતરપાક ઃ
સોયાબીનને ગવાર, અડદ, તલ, તુવેર, કપાસ, બાજરી, મગફળી, દિવેલા, મકાઈ, જુવાર તથા ફળઝાડ, આંબા, ચીકું, આંબળા, લીંબુ વગેરેમંા આંતરપાક તરીકે વાવેતર કરી શકાય છે અને વધારાનો ખર્ચ કર્યા વગર આવકમાં વધારો કરી શકાય છે. ટુકા ગાળાનો ઓછી ઉંચાઈનો પાક હોવાથી મુખ્ય પાકને નડતર રૂપ નથી. આ દ્રષ્ટિએ સોયાબીનનો પાક ઉત્કૃષ્ટ આર્થિક ફાયદો આપે છે.

કાપણી ઃ
સોયાબીનનો પાક પાકવાની તૈયારીમાં હોય તે સમય ેપાન પીળા પડી જાય છે તથા ખરવા માંડે છે. ૮૦ થી ૯૦ ટકા શીંગો ભૂરી થઈ જાય ત્યારે કાપણી કરવી. કાપણી વહેલી સવારે કરી ખાળામાં લાવી બે -ત્રણ દિવસ તાપમાં સુકાવીને બળદથી મસળી છુટા પાડવામાં આવે છે. અથવા થ્રેસરથી પણ લઈ શકાય છે. હવે હાર્વેસ્ટર દ્વારા પણ લેવાય છે. વધુ પડતા યુરીયા આપવાથી સોયાબીન મોડું પાકે છે તેથી વધુ યુરીયા આપવું નહિ.

ઉત્પાદન ઃ
સોયાબીનનું ઉત્પાદન એકંદરે વિઘામાં ૪૦૦ થી ૬૦૦ કિ.ગ્રા જેટલું મળે છે.

સોયાબીનની ખેતી ના ફાયદા ઃ 

સોયાબીન કઠોળ વર્ગનો પાક હોવાથી તે જમીનમાં નાઈટ્રોજન ઉમેરી જમીનની ફળદ્રુપતા વધારે છે.
સોયાબીનનો પાક ચોમાસુ સીઝનમાં ૯૦ થી ૧૧૦ દિવસમાં થતો હોવાથી શિયાળું સિઝનમાં ઘઉં કે અન્ય પાક લઈ શકાય છે.
સોયાબીનનું પ્રોસેસીંગ કરી જાત જાતની અનેક પ્રોડકટો બનાવી મૂલ્યવર્ધી કરી વધારાની આવક મેળવી શકાય છે.
ચોમાસું સિઝનમાં અન્ય પાકોની સરખામણીએ સોયાબીન હેકટર દીઠ વધારે કમાણી આપતો પાક છે.
સોયાબીન ટુંકા ગાળાનો તથા ઓછી ઉંચાઈ ધરાવતો પાક હોવાથી બીજા પાકોની સાથે આંતરપાક તરીકે લઈ શકાય છે.

(માહીતી પટેલ રૂડાભાઈ નાગજીભાઈ – જસદણ)